બોટાદ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતેથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના પાર્કિંગ વિસ્તારમાં ઊભેલી એક કારમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. કારમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ નીકળતી જોઈને મંદિર પરિસરમાં તેમજ પાર્કિંગ એરિયામાં આવેલા શ્રદ્ધાળુઓમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
પાર્ક કરેલી કાર બની ગઈ આગનો ગોળો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મંદિરે દર્શનાર્થે આવેલા યાત્રિકોની એક સિલ્વર કલરની સ્વિફ્ટ કાર પાર્કિંગમાં પાર્ક કરેલી હતી. આ દરમિયાન કોઈ અગમ્ય કારણોસર કારમાં અચાનક જ આગ લાગી ગઈ હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે જે સમયે આગ લાગી તે સમયે કારની અંદર કોઈ સવાર ન હતું, જેથી મોટી દુર્ઘટના ટળી હતી.
ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ
ઘટના અંગે તાત્કાલિક સાળંગપુર મંદિર પ્રશાસન અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને કારમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, આગ એટલી ભીષણ હતી કે કારને ભારે નુકસાન પહોંચ્યું છે અને કારનો મોટોભાગ બળીને ખાખ થઈ ગયો છે.
જાનહાનિ ટળી, તપાસ શરૂ
રાહતની વાત એ છે કે, આ સમગ્ર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ નાગરિક ઈજાગ્રસ્ત થયો નથી. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી કે અન્ય કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સામે આવ્યું નથી. હાલમાં આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો - Botad: સાળંગપુરધામમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ પાઠનું ગાન