બોટાદ જિલ્લામાં ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓની જાસૂસી કરવાનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ખનીજ વિભાગના માઈન સુપરવાઈઝર જ્યારે પોતાની ફરજ પર હતા, ત્યારે બે શખ્સો દ્વારા સતત તેમની રેકી કરવામાં આવી રહી હતી. આ શખ્સો અધિકારીની મૂવમેન્ટ અને તેમના સરકારી વાહનોના ફોટા પાડી રહ્યા હતા. જ્યારે અધિકારીએ શંકાના આધારે તેમને રોકીને કારણ પૂછ્યું, ત્યારે આ શખ્સોએ અપશબ્દો બોલીને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી હતી.
બે શખ્સોની ધરપકડ
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ બંને શખ્સો ખનીજ માફિયાઓના સંપર્કમાં હતા અને અધિકારીનું લાઈવ લોકેશન ટ્રેક કરીને તેની માહિતી માફિયાઓને પહોંચાડતા હતા, જેથી ખનીજ ચોરી કરતા વાહનોને પકડાયા પહેલા જ ચેતવી શકાય. આ મામલે વિભાગ દ્વારા કડક વલણ અપનાવીને બંને શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને જાસૂસી કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હાલમાં ગુનો નોંધીને આ રેકી પાછળ કયા મોટા ખનીજ માફિયાઓનો હાથ છે તે દિશામાં તપાસ તેજ કરી છે.













