બોટાદથી સાળંગપુર રોડ પર ગત 22 એપ્રિલના રોજ મુખ્યમંત્રીના બંદોબસ્તમાં જઈ રહેલી પોલીસની અશ્વ વાનને નડેલા ગમખ્વાર અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે. આ અકસ્માતમાં પોલીસના માનીતા અશ્વનું મોત નિપજ્યું છે, જ્યારે પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.
સીસીટીવીમાં દેખાયા ભયાનક દ્રશ્યો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, પોલીસની અશ્વ વાન પોતાના નિયત માર્ગ પર સાળંગપુર તરફ જઈ રહી હતી. તે સમયે પાછળથી આવતી ફાયર બ્રિગેડની ગાડીએ પૂરપાટ ઝડપે અશ્વ વાનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓવરટેક દરમિયાન ફાયરની ગાડીએ અશ્વ વાનને જોરદાર ટક્કર મારતા વાન રસ્તા પર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માત સાળંગપુર રોડ પર નાઈરા પેટ્રોલ પંપ સામે સર્જાયો હતો.










