સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે મહાશિવરાત્રીના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઇનમાં ઉભા રહ્યા વિના સીધા જ દાદાના સુગમ દર્શન કરાવવામાં આવ્યા હતા
શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ ડી.કે. સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંપન્ન થયો હતો. મહાશિવરાત્રી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરૂપના વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા સિંહાસનને બ્લુ ડેઝીના ફૂલોથી ‘શિવસ્વરૂપ થીમ’ પર દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. વિવિધ સંસ્થાઓના દિવ્યાંગ ભાઈ-બહેનોને મંદિરમાં આદરપૂર્વક આવકારી, લાઇનમાં ઉભા રહ્યા વિના સીધા જ દાદાના સુગમ દર્શન કરાવવામાં આવ્યા હતા.













