બોટાદ જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાને સુચારૂ બનાવવા અને માર્ગ સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ખાસ ડ્રાઈવ ચલાવીને નિયમ ભંગ કરનારા વાહનચાલકો સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

જ્યોતિગ્રામ સર્કલ પાસે પોલીસની વિશેષ ડ્રાઈવ

જિલ્લા ટ્રાફિક PSI એ.એમ. રાવલ અને તેમની ટીમ દ્વારા શહેરના વ્યસ્ત ગણાતા જ્યોતિગ્રામ સર્કલ પાસે નાકાબંધી કરીને વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાખોરી અટકાવવાનો અને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.

સ્થળ પર જ બ્લેક ફિલ્મ ઉતારવામાં આવી

ચેકિંગ દરમિયાન પોલીસે વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ફોર-વ્હીલર ગાડીઓના કાચ પર લગાવેલી પ્રતિબંધિત બ્લેક ફિલ્મો પોલીસ દ્વારા સ્થળ પર જ ઉતારવામાં આવી હતી અને દંડ ફટકારાયો હતો.ફેન્સી નંબર પ્લેટ ધરાવતા અને નંબર પ્લેટ વગરના વાહનો સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સીટ બેલ્ટ ન બાંધનાર, લાઈસન્સ વગર વાહન ચલાવનાર અને ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરનારા ચાલકોને પણ પોલીસે આડેહાથ લીધા હતા.

આ પણ વાંચો: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું દાવોસમાં શક્તિપ્રદર્શન