સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 ની વાર્ષિક બેઠકમાં ગુજરાતના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે વૈશ્વિક મંચ પર રાજ્યની વિકાસગાથા રજૂ કરી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના આ પ્રતિનિધિમંડળે 'વિકસિત ગુજરાત@2047' ના વિઝનને સાકાર કરવા માટે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક બેઠકો યોજી હતી.
વૈશ્વિક દિગ્ગજો સાથે 30 થી વધુ ઉચ્ચ-સ્તરીય બેઠકો
ત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન ગુજરાતે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ભવિષ્યના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા, ટાટા ઇલેક્ટ્રોનિક્સના રણધીર ઠાકુર અને NVIDIA તથા OpenAI ના પ્રતિનિધિઓ સાથે મહત્વની ચર્ચાઓ થઈ.
વિકાસ અને વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ચર્ચા
ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે SEALSQ અને RRP ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારીના રોડમેપ તૈયાર કરાયા. હિટાચી એનર્જી, ENGIE અને આર્સેલરમિત્તલના લક્ષ્મી મિત્તલ સાથે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અને ઉર્જા સંક્રમણ અંગે મંત્રણા થઈ. એ.પી. મોલર-માર્સ્કના ગ્લોબલ સીઈઓ સાથે બંદર-આધારિત વિકાસ અને વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ચર્ચા કરવામાં આવી.
ભવિષ્યના ઉદ્યોગો પર ભાર
ગુજરાતે માત્ર પરંપરાગત ઉત્પાદન જ નહીં, પરંતુ સ્પેસ ટેકનોલોજી, ક્વોન્ટમ ટેકનોલોજી અને ઉદ્યોગ 5.0 માં પણ સહયોગની તકો શોધી છે. આ ઉપરાંત, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે ટકાઉ શહેરી વિકાસ અને જળ સુરક્ષા જેવા વિષયો પર પણ સંવાદ સાધ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. અમારી નીતિ-આધારિત ઇકોસિસ્ટમ આગામી પેઢીના વૈશ્વિક રોકાણો માટે સંપૂર્ણપણે સજ્જ છે. WEF 2026 માં ગુજરાતની સક્રિયતા દર્શાવે છે કે રાજ્ય હવે વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર ભાગીદાર જ નહીં પરંતુ એક નેતા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે.
આ પણ વાંચો: મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે તંત્ર સજ્જ, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ