ગિરનારની તળેટીમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળો' હવે નજીક આવી રહ્યો છે, ત્યારે આ મેળાના સુચારૂ આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવસીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાવિકોની સુવિધા અને સુરક્ષાને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.
મહાશિવરાત્રીની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરે વિવિધ વિભાગોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. મેળાના મેદાનમાં ૨૪ કલાક આરોગ્યની ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત સફાઈ વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ટીમો અને મોબાઈલ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વાહનોના ભારે ધસારાને પહોંચી વળવા માટે ટ્રાફિક મેનેજમેન્ટનો ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને નવા પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુસાફરો માટે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવશે અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ફાયર ફાઈટરની ટીમો તૈનાત રહેશે.
