છોટાઉદેપુર નગરમાં છેલ્લા ત્રણ દિવસથી એક ગાંડા બનેલા ભૂંડે ભારે આતંક મચાવ્યો છે. આ હિંસક ભૂંડે નગરના વિવિધ વિસ્તારોમાં ફરતા અનેક નિર્દોષ લોકો પર હુમલો કરી તેમને ઇજાગ્રસ્ત કર્યા છે. આ વિચિત્ર અને ભયજનક પરિસ્થિતિને કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. ભૂંડ જ્યારે એકાએક હુમલો કરવા માટે નગરની એક દુકાનમાં ધસી ગયું, ત્યારે દુકાનદારે અદ્ભુત સાહસ અને સમયસૂચકતાનો પરિચય આપ્યો હતો.
છેલ્લા 3 દિવસથી ભૂંડે મચાવ્યો હતો આતંક
જેવો ભૂંડ દુકાનની અંદર પ્રવેશ્યો, કે તરત જ દુકાનદાર સાવચેતીપૂર્વક બહાર નીકળી ગયા હતા અને બહારથી દુકાનનું શટર બંધ કરી દીધું હતું. આ યુક્તિને કારણે આતંક મચાવતો ભૂંડ દુકાનમાં જ કેદ થઈ ગયો હતો અને વધુ લોકોને ઇજા પહોંચાડતો અટકી ગયો હતો. ભૂંડ દુકાનમાં કેદ થતાં જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ત્યારબાદ સ્થાનિકો અને ભૂંડ પકડવામાં નિષ્ણાત શખ્સોએ મળીને પૂરતી સાવચેતી સાથે ભૂંડને પકડી પાડ્યું હતું.













