છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના એક ગામમાં બનેલી સગીરાની સનસનીખેજ હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. માત્ર જમીનના સામાન્ય વિવાદમાં એક વ્યક્તિએ પોતાની જ સગીર ભત્રીજીની હત્યા કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છોટા ઉદેપુર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.


શું હતી સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, આજ રોજ કદવાલ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાનો મૃતદેહ તેના જ ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી મળી આવ્યો હતો. સગીરાની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યાનો જણાતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

LCB એ ઉકેલ્યો હત્યાનો ભેદ

છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ LCB ની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસને પરિવારના જ સભ્ય પર શંકા ગઈ હતી. પોલીસે જ્યારે પ્રકાશ રાઠવા નામના શખ્સની કડકાઈથી પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

હત્યા પાછળનું કારણ: જમીનનો લોભ

આરોપી પ્રકાશ રાઠવાની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી અને સગીરાના પરિવાર વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે પારિવારિક ઝઘડો ચાલતો હતો. આ જમીનની અદાવત રાખીને આરોપીએ માસૂમ સગીરાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જમીન જેવા ભૌતિક સુખ માટે પોતાના જ લોહીના સબંધની હત્યા કરતા માનવતા લજવાઈ છે. હાલમાં કદવાલ પોલીસે આરોપી પ્રકાશ રાઠવાની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો - Chhota Udepur News: ખેતરમાંથી સગીરાનો મૃતદેહ મળ્યો


  • Follow us on: