છોટાઉદેપુર જિલ્લાના ઝોઝ-બારીયા રોડ પર આવેલા વસેડી બ્રિજ પર આજે એક બોલેરો કાર અને મોટરસાઈકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. બ્રિજ પર થયેલા આ અકસ્માતના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોની ભીડ ઉમટી પડી હતી. આ અકસ્માતમાં કુલ ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી છે, બાઈક સવાર બે વ્યક્તિઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમની હાલત નાજુક હોવાનું જણાઈ રહ્યું છે.


બોલેરો કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત

અકસ્માતમાં અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માત થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા

વસેડી બ્રિજ પર વાહનો એકબીજા સાથે અથડાતા અને લોકોની ભીડ જમા થતા રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: