છોટા ઉદેપુર જિલ્લામાં પાદરા નજીક ગંભીરા પુલ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ સમગ્ર રાજ્યના પુલોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણીમાં છોટા ઉદેપુર જિલ્લાના ચાર જેટલા પુલ નબળા જણાતા તેના પરથી ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આના પરિણામે, છોટા ઉદેપુરથી સુરત અને વડોદરા તરફનો સમગ્ર ભારદારી વાહનોનો ટ્રાફિક કવાંટ થઈને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેનાથી કવાંટના રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ચાર ગણું વધી ગયું છે.


કરા નદીનો પુલ થયો ખખડધજ

વધેલા ટ્રાફિક ભારણની સીધી અસર કવાંટ ખાતેની કરા નદી પરના પુલ પર થઈ છે. આ પુલ આશરે 50 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો. ભારે વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ થતાં રસ્તાની સાથે સાથે આ જૂનો પુલ પણ અત્યંત જર્જરિત થઈ ગયો છે. પુલની વર્તમાન સ્થિતિ અત્યંત દયનીય છે. પુલની પેરાફિટ (રક્ષક દીવાલ) તૂટી ગઈ છે. તૂટેલી પેરાફિટના સ્થાને સિમેન્ટની જગ્યાએ વાંસના બામ્બુ બાંધીને કામ ચલાવવામાં આવી રહ્યું છે. પુલની સપાટી પર મોટા મોટા ગાબડાં પડી ગયા છે, જેમાંથી નીચે વહેતી નદી પણ આરપાર જોઈ શકાય છે. પુલના સાંધા પણ ખુલ્લા થઈ ગયા છે.

 પુલ તૂટવાની ભીતિથી રાહદારીઓ પરેશાન

આ જર્જરિત પરિસ્થિતિને કારણે રાહદારીઓ અને સ્થાનિક જનતામાં પુલ ગમે ત્યારે તૂટી પડે તેવી ભીતિ સતાવી રહી છે. ટ્રાફિક ડાયવર્ટ થવાના કારણે એક તરફ અન્ય પુલો બંધ હોવાથી મુશ્કેલી છે, ત્યાં હવે કવાંટનો આ પુલ પણ જર્જરિત થતાં તે બંધ થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે, જેનાથી સમગ્ર જિલ્લામાં અવરજવર ખોરવાઈ જશે. સ્થાનિક જનતા માર્ગ અને મકાન વિભાગ સામે આક્ષેપ કરી રહી છે કે વિભાગ આ ગંભીર બાબતે આંખ આડા કાન કરી રહ્યું છે. લોકોની સખત માંગ છે કે જનતાની મુશ્કેલીઓનો અંત લાવવા માટે આ પુલનું સમારકામ અથવા તો વહેલી તકે નવા પુલનું નિર્માણ કરવામાં આવે. પુલનું કામ ક્યારે હાથ ધરાય છે, તે હવે જોવું રહ્યું.


આ પણ વાંચો: સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ, સંચાલક શૈલેષ પટેલની ધરપકડ

  • Follow us on: