નસવાડી તાલુકામાંથી સરકારી તંત્ર અને પુરવઠા વિભાગની ઘોર બેદરકારી ઉજાગર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. નસવાડીના આમરોલી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ રોડ નજીક સરકારી રેશનિંગની દુકાનોમાં વિતરણ કરવા માટેનું મીઠું ખૂબ જ મોટી માત્રામાં કચરાની જેમ ફેંકી દેવાયેલું જોવા મળ્યું છે. આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી જ્યારે આદિવાસી સમાજના લોકો કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ સરકારી જથ્થા પર તેમની નજર પડતાં મામલો ગરમાયો હતો.

એક્સપાયરી ડેટ ન હોવા છતાં શા માટે ફેંકાયું?

સ્થાનિક લોકોએ જ્યારે ફેંકી દેવાયેલા મીઠાના પેકેટો અને જથ્થાની બારીકાઈથી તપાસ કરી ત્યારે આશ્ચર્યજનક વિગતો સામે આવી હતી. આ મીઠું કોઈ પણ રીતે બગડેલું નહોતું કે ન તો તેની વાપરવાની સમયમર્યાદા (એક્સપાયરી ડેટ) પૂર્ણ થઈ હતી. મીઠું હાલ પણ માનવ વપરાશમાં લઈ શકાય તેવું તદ્દન શુદ્ધ હોવા છતાં, કયા કારણોસર તેને રેશનકાર્ડ ધારકો સુધી પહોંચાડવાને બદલે અવાવરું જગ્યાએ ફેંકી દેવામાં આવ્યું તે એક રહસ્ય અને મોટો તપાસનો વિષય બન્યો છે.

ભ્રષ્ટાચાર અને કૌભાંડની ગંધ

ગરીબ અને મધ્યમ વર્ગના રેશનકાર્ડ ગ્રાહકોને સસ્તા અનાજની દુકાનો પરથી નિયત માત્રામાં જ સામગ્રી મળતી હોય છે, ત્યારે આ પ્રકારે મીઠાનો આખો જથ્થો બારોબાર ફેંકી દેવા પાછળ કોઈ મોટું કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે. સ્થાનિક આદિવાસી અગ્રણીઓનો આક્ષેપ છે કે કાં તો આ જથ્થો ચોપડે ઉધારીને ગ્રાહકોના નામે ખોટો વિતરણ બતાવી દેવાયો છે, અથવા તો ટ્રાન્સપોર્ટેશન અને ગોડાઉનના સંચાલકોની કોઈ મોટી મિલીભગત છે. ગ્રામજનોએ આ મુદ્દે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી અને કલેક્ટરને રજૂઆત કરીને આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર રેશનિંગ દુકાનદારો કે સરકારી અધિકારીઓ સામે કડક તપાસ કરી ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Deesa: ફટાકડા બ્લાસ્ટ કેસમાં કલેક્ટર એક્શન મોડમાં, મામલતદારની ફરિયાદથી ફેક્ટરી માલિકો ફરતે ગાળિયો કસાયો