ડીસા શહેરમાં એક વર્ષ પહેલાં બનેલી ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટની કાળજું કંપાવી દેનારી ઘટના આજે પણ લોકોના મનમાં તાજી છે. આ ભયાનક વિસ્ફોટમાં ૨૨ જેટલા નિર્દોષ પરપ્રાંતીય મજૂરો જીવતા ભુંજાઈ ગયા હતા. આ ચકચારી કેસમાં જવાબદારોને પાઠ ભણાવવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે વહીવટી તંત્ર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે. બનાસકાંઠા કલેક્ટરના કડક વલણ અને આદેશ બાદ ડીસા મામલતદાર દ્વારા આ કેસમાં કાયદાનો સકંજો વધુ મજબૂત કરતા વધુ એક નવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ઇન્સ્યોરન્સના નામે મીંડું, શ્રમિકોના જીવ જોખમમાં મુકાયા

આ કેસની ચાલી રહેલી ઉચ્ચ સ્તરીય તપાસમાં એક ચોંકાવનારો અને અત્યંત ગંભીર ખુલાસો એ થયો છે કે, રહેણાંક અને વ્યાપારી નયમો ધાબે બેસાડીને ચલાવવામાં આવતી આ ફટાકડા ફેક્ટરીનો કોઈ જ વીમો (Insurance) લેવામાં આવ્યો ન હતો. સામાન્ય રીતે આવી જોખમી ફેક્ટરીઓમાં કામ કરતા મજૂરો અને પ્રોપર્ટીનો ઇન્સ્યોરન્સ લેવો કાયદાકીય રીતે ફરજિયાત હોય છે, જેથી કોઈ દુર્ઘટના સમયે વળતર મળી શકે. પરંતુ અહીં માલિકો દ્વારા માત્ર નફો કમાવવાના આશયથી સરકારી નિયમોની સરેઆમ ઐસીતૈસી કરવામાં આવી હતી, જેના કારણે મૃતક શ્રમિકોના પરિવારોને વળતર મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

પરિવારો ન્યાય માટે કોર્ટના શરણે, તંત્ર દ્વારા તપાસ તેજ

બીજી તરફ, આ ભયાનક કૌભાંડ અને બેદરકારી સામે મૃતક ૨૨ મજૂરોના લાચાર પરિવારજનોએ આખરે ન્યાયની આશા સાથે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. પરિવારોની માંગ છે કે ગુનેગારોને ફાંસી અથવા આજીવન કેદ જેવી સખત સજા થાય અને તેમને વહેલામાં વહેલી તકે આર્થિક સહાય મળે. કોર્ટની દરમિયાનગીરી અને કલેક્ટરના આદેશ બાદ સ્થાનિક પ્રશાસને ફેક્ટરીના માલિકો, ભાગીદારો અને તેમને ગેરકાયદેસર આશીર્વાદ આપનારા તત્વો સામે તપાસનો દોર અત્યંત તેજ કરી દીધો છે. મામલતદારની આ નવી ફરિયાદથી આગામી દિવસોમાં કેટલાક મોટા માથાઓની ધરપકડ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે.

આ પણ વાંચો: Sabarkantha: ડાકણના વહેમમાં આધેડ મહિલાને મોતને ઘાટ ઉતારાઈ, 12 લોકો સામે ગુનો દાખલ