આપણે ભલે ગમે તેટલા ડિજિટલ યુગ અને 21મી સદીના વૈજ્ઞાનિક વિકાસની વાતો કરીએ, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધાના મૂળ કેટલા ઊંડા અને ઘાતકી છે, તેનો જીવતો જાગતો પુરાવો સાબરકાંઠાના વિજયનગરમાં જોવા મળ્યો છે. વિજયનગર તાલુકાના ગાડી વાકડા ગામે ડાકણના વહેમમાં એક મહિલાની ઘાતકી હત્યા કરી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે. સમાજની આ કૂપ્રથાએ ફરી એકવાર એક હસતા-ખેડતા પરિવારનો માળો વિંખી નાખ્યો છે.
અંધશ્રદ્ધામાં અંધ બનેલા ટોળાએ ઘર પર કર્યો હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, ગાડી વાકડા ગામે રહેતા 50 વર્ષીય કમળાબેન નામના આધેડ મહિલાને ગામના જ કેટલાક તત્વો અંધશ્રદ્ધાના કારણે 'ડાકણ' માનતા હતા. આ વહેમ એટલો હિંસક બન્યો કે, એક ચોક્કસ આયોજન અંતર્ગત આખું ટોળું કમળાબેનના ઘર પર ધસી આવ્યું હતું. ટોળાએ ઘરમાં તોડફોડ કરવાના ઈરાદે અને દહેશત ફેલાવવા માટે ઘર પર જોરદાર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. ત્યારબાદ ટોળામાં સામેલ કેટલાક શખ્સો તીક્ષ્ણ હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને કમળાબેન પર જીવલેણ હુમલો કરી દીધો હતો.
બચાવવા ગયેલા સભ્યો પણ લોહીલુહાણ
જ્યારે હુમલાખોરો કમળાબેન પર તીક્ષ્ણ હથિયારોથી ઘા કરી રહ્યા હતા, ત્યારે તેમને બચાવવા માટે પરિવારના અન્ય બે સભ્યો વચ્ચે પડ્યા હતા. પરંતુ ક્રોધાવેશમાં આવેલા હુમલાખોરોએ આ બંને સભ્યો પર પણ હથિયારો વડે હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલામાં ગંભીર ઈજાઓ થવાના કારણે કમળાબેનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બંને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ચિઠોડા પોલીસે શરૂ કરી કાનૂની કાર્યવાહી
આ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ ચિઠોડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે મૃતકના સ્વજનોની ફરિયાદના આધારે ૪ મહિલાઓ સહિત કુલ ૧૨ લોકો સામે નામજોગ હત્યા અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રબુદ્ધ સમાજ સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે કે આખરે ક્યાં સુધી અંધશ્રદ્ધાના નામે આવા નિર્દોષ લોકોના બલિ લેવાતા રહેશે?
આ પણ વાંચો: Banaskantha: ગઢ વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી ભરેલું પીકઅપ વાહન ઝડપાયું, બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતું નેટવર્ક કબ્જે