છોટાઉદેપુર જિલ્લા સહિત આસપાસના પંથકમાં ગત રાત્રિના સમયે અચાનક વાવાઝોડા અને તેજ પવન સાથે ત્રાટકેલા પ્રી-મોન્સૂન વરસાદે ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફતની સીધી અસર આંતરરાજ્ય રેલ વ્યવહાર પર પડી છે. જિલ્લાના જબુગામ નજીકથી પસાર થતી રેલ્વે લાઇન પર એક વિશાળકાય ઝાડ કડાકાભેર તૂટી પડ્યું હતું. ઝાડ સીધું રેલ્વેના હાઇ-ટેન્શન ઇલેક્ટ્રિક વાયરો પર ખાબકતા રેલ્વેની વીજ લાઇનને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને ઓવરહેડ પાવર સપ્લાય સિસ્ટમ ઠપ્પ થઈ ગઈ છે.
છોટાઉદેપુરમાં રેલ સેવા ઠપ્પ
આ દુર્ઘટનાને કારણે ગુજરાતના વડોદરા અને મધ્ય પ્રદેશના જોબટ વચ્ચે દોડતી તમામ ટ્રેનોના પૈડાં થંભી ગયા છે. ઘટનાની ગંભીરતાને જોતાં રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈને એમ.પી. ના જોબટથી વડોદરા તરફ જઈ રહેલી પેસેન્જર ટ્રેનને છોટાઉદેપુર રેલ્વે સ્ટેશન પર જ ઇમરજન્સી હોલ્ટ આપી રોકી દેવામાં આવી હતી. ટ્રેન અધવચ્ચે અટકી પડતાં મધ્ય પ્રદેશથી વડોદરા નોકરી-ધંધા અને સારવાર અર્થે આવતા સેંકડો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સ્ટેશન પર જ અટવાઈ પડ્યા છે.
