સુરત મહાનગરપાલિકા દ્વારા કતારગામ ઝોન હેઠળના વેડ દરવાજા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે એક મોટું દબાણ વિરોધી ડિમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વેડ દરવાજા વિસ્તારમાં છેલ્લા પાંચ દાયકાથી વસેલા ‘નાસિરનગર’ નામના સ્લમ અને રહેણાંક વિસ્તારમાં પાલિકાની ટીમે જેસીબી અને હિટાચી મશીનો સાથે ત્રાટકીને પાકા-કાચા મકાનો જમીનદોસ્ત કરી દીધા છે. પાલિકાની આ અચાનક થયેલી ત્રાટક પ્રક્રિયાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી સર્જાઈ હતી અને લોકો પોતાના ઘરો બચાવવા રસ્તા પર ઉતરી આવ્યા હતા.
કોઈપણ નોટિસ વિના તોડફોડનો આક્ષેપ
ભોગ બનનાર સ્થાનિક રહીશોએ ભારે આક્રોશ સાથે વહીવટી તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા છે. લોકોનું કહેવું છે કે, મનપાના અધિકારીઓએ તેમને મકાનો ખાલી કરવા કે સ્થળાંતર કરવા માટે કોઈપણ પ્રકારની આગોતરી લેખિત નોટિસ આપી ન હતી. વહેલી સવારે અચાનક મોટો કાફલો કામે લગાડીને ઘરો તોડવાનું શરૂ કરી દેવાયું હતું. આ આકસ્મિક એક્શનના કારણે 100 થી વધુ ગરીબ અને શ્રમિક પરિવારો પોતાના નાના બાળકો અને ઘરવખરી સાથે રસ્તા પર આવી ગયા છે.
