જામનગરના મહિલા પોલીસ સ્ટેશન ખાતે આજે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં આવેલું એક વિશાળકાય લીલુંછમ વૃક્ષ કોઈ પણ જાતના વાવાઝોડા કે પવન વિના અચાનક જ કડાકાભેર ધરાશાયી થઈ ગયું હતું. આ મહાકાય વૃક્ષ સીધું મહિલા પોલીસ સ્ટેશનની મુખ્ય ઇમારતના છાપરા પર અને બાજુની કમ્પાઉન્ડ વોલ (દિવાલ) પર પડ્યું હતું.
પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી
વૃક્ષનો વજન અને ઘેરાવો એટલો વધારે હતો કે તેના પ્રચંડ ફટકાથી મહિલા પોલીસ સ્ટેશનની છતના પતરાં વેરવિખેર થઈ ગયા હતા અને અન્ય માળખાકીય ભાગોને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. આ સાથે જ પોલીસ સ્ટેશનની મજબૂત દિવાલનો એક ભાગ પણ તૂટી પડ્યો હતો. વહેલી સવારે અચાનક થયેલા આ પ્રચંડ અવાજ અને ઘટનાના પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં ફરજ પરના કર્મચારીઓમાં થોડા સમય માટે ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.
