ચોટીલા પંથકમાં ગેરકાયદે ખનન અને લીઝની આડમાં ચાલતી ગેરરીતિઓ પર વહીવટી તંત્રએ સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. પાંજવાણી ગામે આવેલી 'જય ચામુંડા' નામની લીઝ પર તપાસ હાથ ધરતા નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા, જેના પગલે પ્રાંત અધિકારીએ કરોડો રૂપિયાની મશીનરી સીઝ કરી છે.

લીઝની આડમાં ચાલતી ગેરરીતિઓ

ચોટીલાના પ્રાંત અધિકારી હરેશ મકવાણા અને તેમની ટીમે જ્યારે આકસ્મિક તપાસ હાથ ધરી, ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. લીઝ ધારક દ્વારા કોઈપણ પ્રકારના હિસાબી ચોપડા કે સરકારની નોંધ રાખ્યા વગર મનસ્વી રીતે કામગીરી કરવામાં આવતી હતી. લીઝની મર્યાદા બહાર જઈને બાજુમાં આવેલી સરકારી ખરાબાની જમીનનો પણ ગેરકાયદેસર રીતે વપરાશ અને ખનન થતું હોવાનું સામે આવ્યું હતું.

ખનીજ માફિયાઓમાં ફફડાટ

તંત્રએ સ્થળ પર હાજર તમામ સાધન-સામગ્રી અને ખનીજનો જથ્થો જપ્ત કરી લીધો છે. ક્રશર પ્લાન્ટ 02, હિટાચી મશીન 01,જેસીબી (JCB) 01,લોડર અને ટ્રેક્ટર 01 - 01,ડમ્પર 02,સીલીકા સેન્ડ 100 ટન આ તમામ સાધનો અને ખનીજ મળી કુલ રૂપિયા 2,85,00,000 (2.85 કરોડ) નો મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Vav-Tharad: સેસણ ગામે જૂની અદાવતમાં બે યુવકો પર 6 શખ્સોનો જીવલેણ હુમલો, એકની હાલત ગંભીર