ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં છેલ્લા પાંચ દિવસથી પોતાની વિવિધ માગણીઓ સાથે લડી રહેલા દૂધ ઉત્પાદકો અને પશુપાલકો આજે ફરી એકવાર રસ્તા પર ઉતરી આવ્યા હતા. આજે દહેગામ નગરપાલિકા દ્વારા અંદાજે 96 કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સાંસદ હસમુખભાઈ પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજર હતા. કાર્યક્રમની આડમાં પશુપાલકોએ પોતાની વાત સરકાર સુધી પહોંચાડવા માટે આ તક ઝડપી લીધી હતી.
કાર્યક્રમ સ્થળે ભારે સૂત્રોચાર
સાંસદની હાજરીમાં વિકાસકાર્યોનું લોકાર્પણ થવાનું હતું, ત્યારે કાર્યક્રમ સ્થળની બહાર મોટી સંખ્યામાં પશુપાલકો એકત્રિત થઈ ગયા હતા. પશુપાલકોએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચાર કર્યા હતા. આ દરમિયાન માહોલ તંગ બની જતાં સુરક્ષામાં તૈનાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.










