રાજ્યમાં રહેણાંક વિસ્તાર અને સોસાયટીઓમાં જઈને ધાર્મિક વિધિના નામે લૂંટતી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગે હવે ઘરમાં ચાલતા બ્યુટી પાર્લરમાં આઈબ્રો કરાવવાના બહાને સંચાલિકાઓને ધાર્મિક દોષ હોવાનું જણાવી ઘરેણા અને રૂપિયા પડાવતી બે મહિલાઓને ગાંધીનગર જિલ્લાની દહેગામ પોલીસે બહિયલ ગામના બળીયાદેવ મંદિર નજીકથી તેમની પાસેથી સોનાની વીંટી સોનાની બુટ્ટી તેમજ રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથે ધરી છે.
ધાર્મિક વિધિના બહાને રોકડ, ઘરેણાં પડાવતી હતી
દહેગામ પોલીસના હાથે ઝડપાયેલી બે મહિલાઓના વિરુદ્ધમાં અમદાવાદ શહેર પાટણ, કચ્છ,મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ જુદા જુદા ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન.દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન સ્ટાફના સચિન કુમાર અને સોહિલસિંહને બાતમી મળી હતી કે મીનાબેન સલાટ તેમજ ગીતાબેન સલાટ કોઈ જગ્યાએથી ચોરી છળકપટ કે છેતરપિંડી કરી સોનાની બુટ્ટી, વીંટી અને રોકડ રકમ લાવી છે.













