ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. દહેગામના વાસણા રાઠોડ ગામની સીમમાં આવેલા નવા રોડ પરથી એક ત્યજી દેવાયેલું જીવતું બાળક મળી આવ્યું હતું. સવારે પસાર થતા સ્થાનિક લોકોની નજર આ નવજાત બાળક પર પડતાં તુરંત પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાળક મળ્યું, મા-બાપ ગુમ

પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બાળકને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ, પોલીસે બાળકને ત્યજી દેનાર નિર્દય વાલીઓ કે વારસાની તપાસ શરૂ કરી દીધી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરવામાં આવી રહ્યા છે, જેથી બાળકના વાલીઓ સુધી પહોંચી શકાય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય. પોલીસે લોકોમાં પણ અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને આ બાળક અંગેની કોઈ માહિતી હોય તો તુરંત પોલીસનો સંપર્ક કરે.