દાહોદ જિલ્લાના અભલોડ ગામે એક અત્યંત કરૂણ ઘટના સામે આવી છે. અભલોડ ગામના લીંબુ ફળિયામાં આવેલા તળાવમાં ન્હાવા ગયેલા પાંચ બાળકો પૈકી ત્રણ બાળકો પાણીમાં ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં 12 વર્ષીય કિશોરનું કરૂણ મોત નિપજતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.
મિત્રને બચાવવા જતાં સર્જાઈ દુર્ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના અભલોડ ગામના લીંબુ ફળિયાના તળાવમાં પાંચ બાળકો ન્હાવા માટે ગયા હતા. નાહતી વખતે અચાનક એક બાળક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના બે મિત્રો તેને બચાવવા માટે પાણીમાં કૂદ્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાને કારણે ત્રણેય બાળકો ડૂબવા લાગ્યા હતા.
લોકોએ બાળકોને બહાર કાઢ્યા, પણ અક્ષયને ન બચાવી શકાયો
બાળકોને ડૂબતા જોઈ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ ત્રણેય બાળકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. જેમાં 12 વર્ષીય અક્ષય પરમારની હાલત અત્યંત નાજુક હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ગામમાં શોકનું મોજું
અન્ય બે બાળકોનો આબાદ બચાવ થયો છે, પરંતુ અક્ષયના મોતના સમાચાર મળતા જ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. રમત-રમતમાં જિગરના ટુકડા સમાન પુત્ર ગુમાવતા માતા-પિતાના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગુંજી ઉઠ્યું હતું. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Dahod : ગરબાડાના છરછોડામાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો કરાયો, શર્ટનું કોલર ફાડી નાખી મારી નાખવાની ધમકી આપી