દાહોદમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા દેવેન્દ્ર મેડા વિરુદ્ધ અપહરણ અને શારીરિક અડપલાંની ગંભીર ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. દાહોદ બી ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે દેવેન્દ્ર મેડાની તાત્કાલિક અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
AAP નેતા વિરુદ્ધ અપહરણની ફરિયાદ
પ્રાપ્ત માહિતી મુજબ, આમ આદમી પાર્ટીના નેતા દેવેન્દ્ર મેડાએ એક મહિલાને નોકરી આપવાની લાલચ આપી હતી. આ લાલચ આપીને તેમણે મહિલાનું અપહરણ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કારની અંદર મહિલા સાથે શારીરિક અડપલાં પણ કર્યા હોવાનો ગંભીર આક્ષેપ ફરિયાદમાં છે.દેવેન્દ્ર મેડા થોડા દિવસો અગાઉ જ પૂર્વ BTP ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત થઈને અરવિંદ કેજરીવાલના હસ્તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.










