દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઢઢેલા ઇટાવા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી લાંચ લેતા ઝડપાતા વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ, ગામમાં બનેલા રોડ અને શૌચાલયના કામોના બાકી બિલો પાસ કરાવવા માટે તલાટીએ અરજદાર પાસે ૫,૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એસીબી (Anti-Corruption Bureau) માં ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધારે એસીબીની ટીમે ઝાલોદ બસ સ્ટેશન પાસે છટકું ગોઠવ્યું હતું અને તલાટીને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
અગાઉ પણ હપ્તા ઉઘરાવ્યા હોવાનો ઘટસ્ફોટ
એસીબીની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આ તલાટી અગાઉ પણ કટકે-કટકે તૂટક લાંચ લઈ ચૂક્યો હતો. સરકારી કામોમાં ભ્રષ્ટાચાર કરવાની આ શખ્સની જૂની આદત હોવાનું સામે આવ્યું છે. એસીબી દ્વારા તલાટીની અટકાયત કરી તેના ઘર અને ઓફિસના દસ્તાવેજોની તપાસ શરૂ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો માટે આવેલી શૌચાલય જેવી પાયાની સુવિધાઓના નાણાં પાસ કરાવવામાં પણ જ્યારે સરકારી કર્મચારીઓ લાંચ માંગે છે, ત્યારે આવા ભ્રષ્ટ તત્વો સામે એસીબીની આ કાર્યવાહીથી લોકોમાં સંતોષની લાગણી જોવા મળી રહી છે.
