દાહોદ જિલ્લાના ઝાલોદમાં પૂજારીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઝાલોદના ડુંગરી ફળિયાના રામદેવ મંદિરના પૂજારી નગીનભાઈ વિરાભાઈ ભુનાતર (ઉં.વ. 55) ની હત્યા કરવામાં આવી હોવાની આશંકા સેવાઈ રહી છે. તેમનો મૃતદેહ થેરકા ગામ નજીક માછણ નદી કિનારેથી મળી આવ્યો છે.
ઝાલોદમાં પૂજારીનો મૃતદેહ મળ્યો
આજે સવારે ખેતીકામ માટે ગયેલા સ્થાનિક લોકોને નદી કિનારે એક મૃતદેહ નજરે પડતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તુરંત જ આ બાબતની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી હતી. મૃતકના શરીર પર ઈજાના સ્પષ્ટ નિશાનો જોવા મળતા પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. પોલીસને જાણ થતાં જ ડીવાયએસપી, પીઆઈ, દાહોદ એસઓજી (SOG) અને એલસીબી (LCB) ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.










