દાહોદ શહેરમાં આજે એક અત્યંત વિચલિત કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી છે. પરેલના ત્રણ રસ્તા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ક્રૂઝર ગાડીના ચાલકે સાયકલ સવાર વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે વૃદ્ધને અડધો કિલોમીટર સુધી રસ્તા પર ઢસડ્યા હતા, જેમાં તેમનું કરુણ મોત નીપજ્યું છે.
દાહોદમાં કારની ટક્કરથી સાયકલ સવારનું મોત
મૃતકની ઓળખ દાહોદ નજીક આવેલા વાંદરીયા ગામના 63 વર્ષીય મોહનભાઈ ગરાસિયા તરીકે થઈ છે. મોહનભાઈ પોતાની સાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે પરેલના ત્રણ રસ્તા પાસે ક્રૂઝર ગાડીએ તેમને હડફેટે લીધા હતા. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ મોહનભાઈ ગાડી નીચે ફસાઈ ગયા હતા, તેમ છતાં ચાલકે ગાડી હંકારી મૂકી હતી અને તેમને પરેલના કારખાના સુધી અડધો કિલોમીટર ઢસડી ગયો હતો. મોહનભાઈનો મૃતદેહ કારખાના પાસે મળી આવ્યો હતો, જ્યારે તેમની સાયકલ ઘટનાસ્થળેથી એક કિલોમીટર દૂર ફેંકાયેલી હાલતમાં મળી આવી હતી.










