રાજ્યમાં રખડતા કુતરાનો આતંક દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંધારી ગામેથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અંધારી ગામની બાલવાડીમાં ભણતા એક 4 વર્ષના માસૂમ બાળક પર રખડતા કુતરાએ હિંસક હુમલો કર્યો છે. કુતરાએ બાળકના મોઢા અને ગાલના ભાગે ગંભીર બચકાં ભરીને તેને લોહીલુહાણ કરી નાખ્યો હતો.
બાલવાડી જતી વખતે બની ઘટના
ઘટનાની મળતી માહિતી અનુસાર, 4 વર્ષનો માસૂમ બાળક વનરાજ જ્યારે બાલવાડીમાં હતો, ત્યારે અચાનક એક રખડતા કુતરાએ તેના પર હુમલો કરી દીધો હતો. બાળકની મરણચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેને કુતરાના ચુંગાલમાંથી છોડાવ્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે બાળકના ચહેરા પર ઊંડા ઘા પડી ગયા હતા.













