દાહોદની કતવારા પોલીસે આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ખંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે એક આઇશર ગાડીમાંથી 38 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આંતરરાજ્ય દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કતવારા પોલીસની ટીમ જ્યારે ખંગેલા ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ કરી રહી હતી, ત્યારે એક શંકાસ્પદ આઇશર ગાડીને અટકાવવામાં આવી હતી. તલાશી લેતા જાણવા મળ્યું કે, ગાડીમાં કાળા મીણીયાના કવર (તાડપત્રી) ની આડમાં ગુપ્ત રીતે દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 304 પેટીઓ મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે 38,24,400 થાય છે.
એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ
પોલીસે ગાડીના ચાલક હરદયાલસીગ રાજપુત ને સ્થળ પરથી ઝડપી પાડ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ દારૂનો જથ્થો રાજસ્થાનના જેસાખેડામાં રહેતા સુરેન્દ્ર રાજપુત અને કતારસીગ રાજપુત દ્વારા ભરી આપવામાં આવ્યો હતો. તપાસમાં ખુલાસો થયો છે કે, આ દારૂનો જથ્થો ભાવનગરના વલ્લભીપુર ખાતે રહેતા અજય ભરવાડ નામના શખ્સે મંગાવ્યો હતો. રાજસ્થાનથી વાયા દાહોદ થઈને આ જથ્થો સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો, પરંતુ તે પૂર્વે જ કતવારા પોલીસે તેને દબોચી લીધો હતો.
ભાવનગરના બુટલેગરે મંગાવ્યો હતો માલ
કતવારા પોલીસે આ મામલે કુલ ચાર ઈસમો (ગાડી ચાલક, દારૂ મોકલનાર બે અને મંગાવનાર એક) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. પોલીસે દારૂનો જથ્થો અને આઇશર ગાડી કબજે કરી ફરાર અન્ય ત્રણ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: જૂની અદાવતમાં મકરપુરામાં આતંક, ત્રણ શખ્સોએ ઈંટોના ઘા મારી ઓલા બાઈકની કરી તોડફોડ