ઉત્તરાયણના પર્વ પૂર્વે જ દાહોદ શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ નિર્દોષ નાગરિકોના લોહી વહેવડાવવાનું શરૂ કર્યું છે. શહેરમાં માત્ર 24 કલાકના ગાળામાં બે અલગ-અલગ સ્થળોએ ચાઇનીઝ દોરીના કારણે ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં બે બાઇકસવાર યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
મંડાવ રોડ પર યુવકનું ગળું કપાયું
પ્રથમ ઘટના દાહોદના મંડાવ રોડ પર બની હતી. એક યુવક પોતાની મોટરસાઇકલ પર પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાંથી લટકતી ચાઇનીઝ દોરી તેના ગળાના ભાગે આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગણતરીની સેકન્ડોમાં જ યુવકનું ગળું કપાઈ ગયું હતું. યુવક રસ્તા પર જ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક તેની મદદ માટે દોડી આવ્યા હતા અને લોહી વહેતું અટકાવવા પ્રયાસો કર્યા હતા.










