શહેરના માંડવ રોડ વિસ્તારમાં એક વિચિત્ર પણ અત્યંત ગંભીર કહી શકાય તેવી દુર્ઘટના સામે આવી છે. દાહોદના માજી કાઉન્સિલર દિનેશભાઈ સિકલીગર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે ગધેડાઓની લડાઈ વચ્ચે આવી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
દાહોદના માજી કાઉન્સિલર ગધેડાઓની લડાઈમાં ઘાયલ
મળતી માહિતી મુજબ, માજી કાઉન્સિલર દિનેશભાઈ સિકલીગર પોતાની એક્ટિવા પર સવાર થઈને માંડવ રોડ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રસ્તાની વચ્ચે બે ગધેડાઓ ઉગ્ર રીતે લડી રહ્યા હતા. અચાનક લડતા-લડતા ગધેડાઓ દિનેશભાઈની એક્ટિવા પાસે આવી ગયા હતા અને ગભરામણ કે ઝપાઝપીમાં એક ગધેડાએ દિનેશભાઈને માથાના ભાગે જોરદાર લાત મારી દીધી હતી. લાત એટલી પ્રચંડ હતી કે તેઓ સ્થળ પર જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.










