દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના સુથારવાસા ગામે સામાજિક મૂલ્યોને શરમાવે તેવી ઘટના બની છે. એક 23 વર્ષીય પરિણીતાને તેના જ પતિ અને સાસુ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી, મારપીટ કરી ઘરની બહાર કાઢી મૂકવામાં આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.


લગ્નના થોડા સમય બાદ જ ત્રાસ શરૂ થયો

ઝાલોદ તાલુકાના વાઘેલા ગામની યુવતીના લગ્ન સુથારવાસા ગામના યુવક સાથે સામાજિક રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યા બાદ, પતિ અને સાસુએ અસલી રૂપ ધારણ કર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પરિણીતાને નાની-નાની બાબતોમાં મહેણાં-ટોણાં મારવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

દહેજ અને અપમાનજનક શબ્દોનો મારો

પરિણીતાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેને વારંવાર નીચે મુજબના શબ્દો કહી માનસિક રીતે તોડી પાડવામાં આવતી હતી. તું અમને ગમતી નથી, તારા બાપના ઘરેથી કન્યાદાનમાં કંઈ લાવી નથી. તને કોઈ કામ કે જમવાનું બનાવતા આવડતું નથી. આવા અપમાનજનક શબ્દો બોલી તેને બેફામ ગાળો આપવામાં આવતી હતી. જ્યારે પરિણીતા પ્રતિકાર કરતી ત્યારે પતિ અને સાસુ ભેગા મળી તેને ગડદાપાટુનો માર મારતા હતા.

જાનથી મારી નાખવાની ધમકી અને દેશવટો

ત્રાસની પરાકાષ્ઠા ત્યારે આવી જ્યારે પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી, તેને પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી હાંકી કાઢવામાં આવી. જીવ બચાવીને પરિણીતા પોતાના પિયર વાઘેલા ગામે પહોંચી હતી અને પરિવારને આપવીતી જણાવી હતી. અંતે, પતિ અને સાસુના અમાનુષી અત્યાચાર સામે નમવાને બદલે પરિણીતાએ હિંમત દાખવી લીમડી પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: સિંહણને બેભાન કરવા જતાં વન વિભાગનો ટ્રેકર પોતે બેભાન, ટ્રેન્ક્યુલાઈઝર ગનનો ડોઝ કર્મચારીને વાગ્યો

  • Follow us on: