દાહોદ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઈવે પર એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના ધડેલા ગામ નજીક હાઈવે પર એક કાર અને બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે, વાહનોની ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.
મુસાફરોનો આબાદ
ઘટનાની મળતી માહિતી અનુસાર, હાઈવે પર જઈ રહેલી એક કાર અને બે ટ્રકો એકબીજા સાથે જોરદાર રીતે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કુરચો બોલી ગયો હતો, પરંતુ સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં જે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, તેમને સ્થાનિકોની મદદથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની તીવ્રતા જોતા અહીં મોટી જાનહાનિ ટળી છે, જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.













