દાહોદ જિલ્લાના ફતેપુરામાં ખાતર વિતરણને લઈને વહીવટી તંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે સ્થાનિક જગતનો તાત ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ચોમાસાની સીઝન બિલકુલ માથે હોવાથી ખેડૂતો વાવણીની તૈયારીઓ માટે વહેલી સવારથી જ ફતેપુરાના સરકારી ડેપો ખાતે ખાતર લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ડેપો બંધ રહેતા ખેડૂતોમાં વ્યાપક આક્રોશ અને અસંતોષ ફેલાયો હતો.


કોઈ પણ સૂચના વગર ડેપો બંધ, ખેડૂતો ધક્કા ખાવા મજબૂર

આજે ખાસ કરીને મોટીરેલ પૂર્વ ગામના ખેડૂતોનો ખાતર મેળવવાનો વારો નક્કી કરવામાં આવ્યો હતો. તેમ છતાં, વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ આગોતરી જાણ કે નોટિસ બોર્ડ માર્યા વગર જ સરકારી ડેપો અચાનક બંધ રાખવામાં આવ્યો હતો. પોતાના ખેતીના મહત્ત્વના કામધંધા છોડીને, દૂર-દૂરથી ભાડાના વાહનો કરીને આવેલા ગરીબ ખેડૂતો વહીવટી તંત્રની આ આળસુ નીતિ અને લાલિયાવાડીને કારણે કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા.

તાત્કાલિક ખાતરનો સ્ટોક ઉપલબ્ધ કરાવી વિતરણ શરૂ કરવા માંગ

ખેતીની મુખ્ય સીઝન હોવા છતાં તંત્ર દ્વારા દાખવવામાં આવેલી આ ઉદાસીનતા સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમયસર ખાતર ન મળવાને કારણે વાવણી મોડી થવાનો અને પાકને નુકસાન થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે. પીડિત ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને માંગ કરી છે કે, તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ડેપો પર ખાતરનો જરૂરી સ્ટોક ઉપલબ્ધ કરાવવામાં આવે અને કોઈ પણ વિલંબ વગર તેનું વ્યવસ્થિત વિતરણ ફરી શરૂ કરવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: