દાહોદમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે થયેલી સીધી અથડામણમાં બિશ્નોઈ ગેંગના કુખ્યાત સાગરીત અશોક બિશ્નોઈને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે ગેંગનો આ સાગરીત વિસ્તારમાંથી પસાર થવાનો છે, જેના આધારે પોલીસે છટકું ગોઠવ્યું હતું. જ્યારે પોલીસે અશોક બિશ્નોઈને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે પોલીસ પકડમાંથી ભાગવા માટે ધમપછાડા કર્યા હતા. આ દરમિયાન પોલીસે સ્વબચાવમાં અને આરોપીને રોકવા માટે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેમાં અશોક બિશ્નોઈને પગના ભાગે ગોળી વાગતા તે ઈજાગ્રસ્ત થયો હતો અને તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો.

પોલીસની લાલ આંખ

આ ઘટના બાદ દાહોદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો હતો. જે ગાડીમાં આરોપી સવાર હતો તેની આસપાસના તમામ સ્થળોને પોલીસે કોર્ડન કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. ફોરેન્સિક અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસ કરી રહી છે કે અશોક બિશ્નોઈ અન્ય કયા ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની સાથે અન્ય કયા સાગરીતો મદદમાં હતા.