દેવભૂમિ દ્વારકા જિલ્લાના હવામાનમાં આજે મોટો પલટો જોવા મળ્યો છે. જામખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અનેક વિસ્તારોમાં શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને હંજરાપર, મોવાણ, સોનારડી અને દાત્રાણા જેવા ગ્રામ્ય પંથકોમાં વરસાદી ઝાપટાં પડતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. એક તરફ જાન્યુઆરીની ઠંડી પડી રહી છે ત્યારે બીજી તરફ આકાશમાં કાળાડિબાંગ વાદળો અને વરસાદી માહોલને કારણે લોકોને ભરશિયાળે ચોમાસા જેવો અહેસાસ થયો હતો. અચાનક આવેલા આ પલટાને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.

માવઠાએ વધારી ચિંતા

આ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. હાલમાં ખેતરોમાં જીરું, ધાણા, ચણા અને ઘઉં જેવા શિયાળુ પાક તૈયાર થઈ રહ્યા છે, ત્યારે આ માવઠું પાક માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાદળછાયા વાતાવરણ અને વરસાદી ભેજને કારણે પાકમાં રોગચાળો આવવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે જો હજુ વધુ વરસાદ પડશે તો મોંઘા ભાવના બિયારણ અને મહેનત પર પાણી ફરી વળશે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહ્યું છે.