ગુજરાતમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ સતત એક્ટિવ છે, ત્યારે ખેડા જિલ્લાના ડાકોર પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક સ્ટાફની ઘોર લાપરવાહી અને શંકાસ્પદ ભૂમિકા સરાજાહેર થઈ છે. ગત ૧૭ તારીખે ગાંધીનગર વિજિલન્સની ટીમને સચોટ બાતમી મળી હતી કે ડાકોરના સીમલજ ગામની સીમમાં મોટા પાયે વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું છે અને ત્યાંથી બુટલેગરો માલ સપ્લાય કરવાના છે. આ બાતમીના આધારે એસએમસીની ટીમે વોચ ગોઠવી હતી.


સ્કૂલ કેમ્પસમાં ઘુસાડી દીધી દારૂ ભરેલી ગાડીઓ

વિજિલન્સની ટીમે જ્યારે શંકાસ્પદ વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે બુટલેગરોના સાગરીતોએ વાહનો ઉભા રાખવાને બદલે પૂરપાટ ઝડપે ભગાવ્યા હતા. એસએમસીના જવાનોએ ફિલ્મી ઢબે દારૂ ભરેલી ગાડીઓનો પીછો કર્યો હતો. પકડાઈ જવાના ડરે દારૂ ભરેલી સ્વિફ્ટ અને ઇકો કારના ચાલકોએ ચાલુ વાહનો સીમલજ ગામની સરકારી પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં ઘુસાડી દીધા હતા અને વાહનો મૂકીને નાસી છૂટ્યા હતા. પોલીસે બંને વાહનોની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે પોલીસે કબજે કર્યો હતો.

DGP ની સીધી કાર્યવાહીથી પોલીસમાં ફફડાટ

એસએમસીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ આખો વિદેશી દારૂનો જથ્થો સીમલજ ગામના કુખ્યાત બુટલેગર મહેશ વાઘેલાનો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનની નાકની નીચે આટલું મોટું નેટવર્ક ચાલતું હોવા છતાં ડાકોર પોલીસના ડી-સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને જે-તે વિસ્તારના બીટ જમાદાર કિશોરસિંહને આ અંગે કોઈ જ માહિતી નહોતી.

તાત્કાલિક ધોરણે બંને હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ 

ગાંધીનગર વિજિલન્સ દ્વારા આ અંગેનો ગુપ્ત અહેવાલ રાજ્યના પોલીસ વડા (DGP) ને સોંપવામાં આવ્યો હતો. સ્થાનિક કક્ષાએ એન્ટી-પ્રોહિબિશનની બાતમી મેળવવામાં આ ઘોર નિષ્ફળતા અને લાપરવાહીને ગંભીર ગણીને DGP એ તાત્કાલિક ધોરણે બંને હેડ કોન્સ્ટેબલ હાર્દિક શર્મા અને કિશોરસિંહને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. આ કડક પગલાંના કારણે ખેડા જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોના વહીવટદારો અને સ્ટાફમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Narmada:સન્માન ન જળવાતા ભાજપના જ મહિલા ધારાસભ્યના ઉપવાસ, સાંસદના સમર્થનથી ગાંધીનગર સુધી રાજકારણ ગરમાયું

  • Follow us on: