આજે ખેડા જિલ્લા કલેક્ટરે યાત્રાધામ ડાકોરની આકસ્મિક મુલાકાત લેતાં ડાકોરની પરિસ્થિતી જોઇને તે ચોંકી ઉઠ્યા હતા અને તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખને ખખડાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે તમારા ઘરના ડ્રોઇંગ રુમને કેવી રીતે સાફ રાખો છો એવી રીતે જ આ તમામ સ્થળોએ રોજ સફાઇ થવી જોઇએ


કડક શબ્દોમાં તાકીદ કરી

ખેડા જિલ્લાના કલેક્ટર દ્વારા આજે વહેલી સવારે ડાકોર શહેરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન શહેરની સ્વચ્છતા વ્યવસ્થા, ખાસ કરીને ગોમતી ઘાટ વિસ્તારની ખરાબ હાલત જોઇને કલેક્ટરે સ્થાનિક અધિકારીઓને કડક શબ્દોમાં તાકીદ કરી હતી.

 યાત્રાળુઓ માટે જરૂરી સુવિધાઓની અછત

કલેક્ટરે ડાકોર નગરપાલિકાના ચીફ ઑફિસર તથા પ્રમુખ બંનેને ગોમતી ઘાટ પર જોવા મળેલી ઠેરઠેર ગંદકી બાબતે ખખડાવીને તાત્કાલિક અને કાયમી ઉકેલ* લાવવા આદેશ આપ્યો. ઘાટ વિસ્તારમાં વધતી આવરજવર, યાત્રાળુઓ માટે જરૂરી સુવિધાઓની અછત અને સાફ-સફાઈના અભાવે થતા અસંતોષને ધ્યાનમાં રાખીને કલેક્ટરે તંત્રને કડક સૂચના આપી.

તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે

તેઓએ સ્પષ્ટ કર્યું કે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કરવામાં આવે અને આગામી દિવસોમાં સતત મોનિટરિંગ રાખવામાં આવે. સાથે જ પાણી, કચરો વ્યવસ્થાપન, માર્ગોની સફાઈ તથા ભીડ નિયંત્રણ માટે અલગ-અલગ ટીમોની રચના કરવાની પણ સૂચના આપી.

ડાકોર નગરપાલિકાના અધિકારીઓમાં હલચલ

આ અચાનક મુલાકાત બાદ ડાકોર નગરપાલિકાના અધિકારીઓમાં હલચલ મચી ગઈ છે અને તંત્ર દ્વારા તરત જ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.


આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો

  • Follow us on: