છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે વોટ્સએપ અને ફેસબુક પર એક સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યા છે કે, આગામી માર્ચ મહિનાથી ₹500ની ચલણી નોટો બંધ કરી દેવામાં આવશે. આ સમાચારોને કારણે સામાન્ય જનતામાં અનેક મુંઝવણ જોવા મળી રહી છે. જોકે, આ બાબતે કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે RBI તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વાતોમાં કોઈ તથ્ય નથી.

અફવાઓનો આવ્યો અંત

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સરકાર જૂની ₹500ની નોટો પાછી ખેંચી લેવાની છે અને માર્ચ મહિના પછી તે માત્ર કાગળનો ટુકડો બની જશે. આ પ્રકારના ભ્રામક સમાચારોને કારણે લોકો ફરીથી 2016 જેવી નોટબંધીની સ્થિતિ સર્જાશે તેવા ભયમાં મુકાયા હતા.

સરકાર અને RBIની સ્પષ્ટતા

સરકારી સૂત્રો અને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા છે. કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સરકાર કે RBI દ્વારા ₹500ની નોટ બંધ કરવા અંગે કોઈ જ સૂચના કે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો નથી.

નાગરિકોને કર્યા સાવચેત

નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે આવા નકલી સમાચારો પર વિશ્વાસ ન કરે અને તેને આગળ ફોરવર્ડ ન કરે. નોટબંધી જેવા સંવેદનશીલ વિષયો પર હંમેશા સત્તાવાર વેબસાઇટ અથવા વિશ્વસનીય સમાચાર માધ્યમો પર જ ભરોસો રાખવો જોઈએ. હાલમાં ₹500ની નોટ સંપૂર્ણપણે માન્ય છે અને વ્યવહારમાં ચાલુ રહેશે.


  • Follow us on: