રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ખનિજ સંપત્તિનું નિકંદન કાઢતા તત્વો સામે ધોરાજી તાલુકા વહીવટી તંત્ર દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. ધોરાજીના ફરેણી ગામના તળાવમાં કોઈ પણ જાતની સરકારી મંજૂરી કે આધાર-પુરાવા વિના મોટા પાયે મોરમ માટીનું ગેરકાયદેસર ખનન અને પરિવહન થતું હોવાનું કૌભાંડ ઝડપાયું છે.
પેટ્રોલિંગ દરમિયાન મળી સફળતા
મળતી વિગતો અનુસાર, ધોરાજીના મામલતદાર અને તેમની કચેરીનો સ્ટાફ ફરેણી ગામ તરફ સરપ્રાઇઝ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન ફરેણી ગામના મામાદેવ મંદિર નજીક આવેલા સરકારી તળાવમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડી હતી. તંત્રની ટીમે તપાસ કરતા ત્યાં રોયલ્ટી પાસ કે જરૂરી દસ્તાવેજો વિના ગેરકાયદેસર રીતે જેસીબી (JCB) મશીન વડે મોરમ માટી ખોદીને ટ્રેક્ટરોમાં ભરવામાં આવી રહી હતી. તંત્રએ તાત્કાલિક દરોડો પાડીને આ આખી પ્રવૃત્તિને રંગેહાથ ઝડપી પાડી હતી.
