રાજકોટ જિલ્લાના ધોરાજી-પોરબંદર નેશનલ હાઇવે પર મોટરસાયકલ પર જોખમી સ્ટંટ કરીને પોતાના જીવની અને અન્ય વાહનચાલકોની સલામતી જોખમમાં મૂકતા એક યુવકને ધોરાજી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે. યુવક દ્વારા કરવામાં આવેલા આ જોખમી સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.


ધોરાજીમાં યુવકને બાઈક પર સ્ટંટબાજી મોંઘી પડી

ધોરાજીના નેશનલ હાઇવે પર લાંબા સમયથી અમુક સ્ટંટબાજો મોટરસાયકલ પર અવારનવાર જોખમી સ્ટંટ કરી તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. આ પ્રકારના વીડિયો વાયરલ થયા બાદ જ પોલીસ તંત્ર પગલાં લે છે.તાજેતરમાં, ધોરાજીના પોરબંદર નેશનલ હાઇવે પર એક યુવક દ્વારા કરવામાં આવેલા જોખમી સ્ટંટનો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાતું હતું કે યુવક બેફામ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ કરી ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો હતો, જે હાઇવે પર અકસ્માતનું કારણ બની શકે તેમ હતું.

સ્ટંટ કરનાર ફિરોઝ દિલાવર પઠાણને ઝડપી પાડ્યો

સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણ થતાં ધોરાજી તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વાયરલ વીડિયોના આધારે સ્ટંટ કરનાર યુવકની ઓળખ ફિરોઝ દિલાવર પઠાણ તરીકે કરી હતી અને ગણતરીના સમયમાં જ તેને પકડી પાડ્યો હતો.પોલીસે ફિરોઝ પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. ધોરાજીમાં સ્ટંટબાજોના વીડિયો વારંવાર વાયરલ થતા હોવાને કારણે પોલીસ તંત્રને ખુલ્લો પડકાર મળી રહ્યો છે. નાગરિકો તરફથી માંગ ઉઠી છે કે આવા સ્ટંટબાજોને રોકવા માટે પોલીસે સખત પગલાં લેવા જોઈએ અને નેશનલ હાઇવે પર વધુ પેટ્રોલીંગ વધારવું જોઈએ, જેથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં ન મુકાય. યુવકને બાઈક પર સ્ટંટબાજી કરવાની આ ઘેલછા ખૂબ મોંઘી પડી છે.

આ પણ વાંચો: હળવદના તબીબ સાથે 48.14 લાખની છેતરપિંડી, સાઇબર ક્રાઇમે 4 આરોપીઓને દબોચ્યા

  • Follow us on: