મોરબી જિલ્લાના હળવદ શહેરમાં રહેતા એક તબીબને શેરબજારમાં રોકાણ કરાવવાના બહાને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના સનસનાટીભર્યા કેસમાં સાઇબર ક્રાઇમ પોલીસે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ છેતરપિંડીમાં સંડોવાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના તબીબ સાથે છેતરપિંડી
પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ શહેરમાં રહેતા ડો. ચેતનકુમાર જાકાસણીયા નામના તબીબને આરોપીઓએ ઓનલાઇન માધ્યમથી વિશ્વાસમાં લીધા હતા. છેતરપિંડી આચરવા માટે આરોપીઓએ ડોક્ટરને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. આ ગ્રુપમાં આરોપીઓએ શેરબજારમાં ટૂંકાગાળામાં મોટું વળતર મેળવવાની લાલચ આપી રોકાણ કરવા માટે પ્રેર્યા હતા. આરોપીઓની મીઠી-મીઠી વાતો અને ઊંચા વળતરના વચનો પર વિશ્વાસ રાખી ડો. જાકાસણીયાએ અલગ-અલગ તબક્કે કુલ ₹48,14,000/- (અઠ્ઠેતાલીસ લાખ ચૌદ હજાર) નું રોકાણ કર્યું હતું. જોકે, રોકાણ કર્યા બાદ તેમને કોઇ વળતર કે તેમના પૈસા પરત મળ્યા નહોતા. પોતે છેતરાયા હોવાનું માલૂમ પડતાં ડોક્ટરે તાત્કાલિક સાઇબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કર્યો હતો.










