જૂનાગઢના માણાવદર પંથકમાં પાંચ વર્ષ પહેલાં બનેલા સગીરાના અપહરણ અને શારીરિક શોષણના કેસમાં વંથલીની સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે આજે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી શખ્સને સખ્ત સજા ફટકારીને આવા ગુનાઓ આચરનારાઓ માટે દાખલો બેસાડ્યો છે. વેરાવળના રવિ રમેશ વડુકર (ઉ.વ. 19) નામના શખ્સે સોશિયલ મીડિયાના માધ્યમથી માણાવદર પંથકની 17 વર્ષીય તરુણી સાથે મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ પ્રેમ સંબંધ બાંધ્યો હતો.
સનસનાટીપૂર્ણ ચુકાદો
તા. 21 ડિસેમ્બર 2021ના રોજ રવિ, તરુણીને લગ્નની લાલચ આપીને તેના વાલીપણામાંથી અપહરણ કરીને ભગાડી ગયો હતો અને બાદમાં તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ગુના સંદર્ભે પોલીસમાં પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. વંથલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ સલીમ મન્સૂરીએ આરોપી રવિ વડુકરને 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત, કોર્ટે ભોગ બનનાર તરુણીને નિયમ મુજબ રૂ. 20,000નું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
