દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકાને જોડતા નવનિર્મિત 'સુદર્શન સેતુ' પર જોખમી રીતે સીનસપાટા કરી સોશિયલ મીડિયા માટે રીલ બનાવનાર યુવાન સામે ઓખા મરીન પોલીસે લાલ આંખ કરી છે. કારના બોનેટ પર બેસીને જોખમી સ્ટંટ કરનાર આ યુવકની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં અદાલતે તેને સજા ફટકારી છે.
સુદર્શન સેતુ પર જોખમી રીતે સીનસપાટા
પકડાયેલા આરોપીની ઓળખ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના 23 વર્ષીય કિશન કુવરસિંહ જાદવ તરીકે થઈ છે. કિશન પોતાની ફોર વ્હીલર કાર લઈને સુદર્શન સેતુ પર ગયો હતો અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી, અન્ય લોકોના જીવ જોખમમાં મૂકાય તે રીતે કારના બોનેટ પર બેસીને વીડિયો શૂટ કરતો હતો.
પોલીસની ત્વરિત કાર્યવાહી
ઓખા મરીન પોલીસ મથકના પીએસઆઈ આર.આર. ઝરૂ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે આ યુવક જોખમી સ્ટંટ કરતો નજરે પડ્યો હતો. પોલીસે તુરંત દોડીને તેને ઝડપી પાડ્યો હતો અને તેની કાર કબજે કરી ગુનો નોંધ્યો હતો. પોલીસનું કહેવું છે કે પ્રવાસન ધામો પર સુરક્ષા જાળવવી અને આવા જોખમી સ્ટંટ રોકવા તે તેમની પ્રાથમિકતા છે.
અદાલતે ફટકારી સજા
ધરપકડ બાદ આ કેસની સુનાવણી અદાલતમાં હાથ ધરવામાં આવી હતી. પુરાવા અને પોલીસની તપાસને આધારે અદાલતે આરોપી વાહન ચાલક કિશન જાદવને દોષિત ઠેરવી સજાનો હુકમ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કાયદો હાથમાં લેતા યુવાનો માટે આ એક લાલબત્તી સમાન કિસ્સો છે.
આ પણ વાંચો: હોસ્પિટલમાં ડ્યુટીના લિસ્ટ બાબતે ઝઘડો થતા હેડ નર્સનો આપઘાત, ઓપરેશન થિયેટરમાં ફોર્માલિન પી જીવન ટૂંકાવ્યું