સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફની ડ્યુટી ફાળવવા જેવી સામાન્ય બાબતે થયેલા આંતરિક ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, વર્ષોનો અનુભવ ધરાવતા સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ ઝેરી કેમિકલ પીને આત્મહત્યા કરી લીધી છે.


સાથી કર્મચારીઓ સાથે થયો હતો વિવાદ

મળતી માહિતી મુજબ, પાલ વિસ્તારના સુડા આવાસમાં રહેતા 45 વર્ષીય અમિષાબેન હેમંતભાઈ શર્મા છેલ્લા સાડા ત્રણ વર્ષથી જનની ગાયનેક હોસ્પિટલમાં હેડ નર્સ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઓપરેશન થિયેટરના ઇન્ચાર્જ હોવાની સાથે સ્ટાફની ડ્યુટીનું લિસ્ટ પણ તૈયાર કરતા હતા. તાજેતરમાં તેમણે બનાવેલા ડ્યુટી લિસ્ટને લઈ સાથી કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કર્મચારીઓએ ડ્યુટી બરાબર ફાળવી ન હોવાના આક્ષેપો કરતા અમિષાબેનને અત્યંત માઠું લાગી આવ્યું હતું.

ઓપરેશન થિયેટરમાં જ લીધો અંતિમ નિર્ણય

ઝઘડાથી વ્યથિત થયેલા અમિષાબેને આવેશમાં આવી ઓપરેશન થિયેટરમાં જઈ તબીબી સાધનોને સાફ કરવા માટે વપરાતા 'ફોર્માલિન' નામનું ઝેરી કેમિકલ પી લીધું હતું. કેમિકલ પીધા બાદ તેમણે ખાલી બોટલ સ્ટાફ તરફ ફેંકી હતી, જેથી અન્ય કર્મચારીઓને ઘટનાની જાણ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

પરિવારમાં એકની એક પુત્રી નોંધારી બની

અમિષાબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. તેઓ તેમની એકમાત્ર પુત્રી સાથે રહેતા હતા અને ઘરની જવાબદારી સંભાળતા હતા. માતાના અકાળે અવસાનથી પુત્રીએ છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: આઈસરમાં ચોરખાનું બનાવી થતી દારૂની હેરાફેરી ઝડપાઈ, 4944 બોટલ સાથે 22.28 લાખનો મુદ્દામાલ જપ્ત

  • Follow us on: