મોરબી જિલ્લા પોલીસની સતર્કતાને કારણે વાંકાનેર-જડેશ્વર રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. પૂંઠાના બોક્સની આડમાં અને ટ્રકની બોડીમાં ખાસ બનાવેલા ચોરખાના દ્વારા કરવામાં આવતી આ તસ્કરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે.


વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત

મોરબી જિલ્લા LCB પીઆઈ એમ.પી. પંડયાની સૂચના હેઠળ પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, એક આઈસર ટ્રક વાંકાનેરથી જડેશ્વર રોડ થઈ ટંકારા તરફ દારૂનો જથ્થો સપ્લાય કરવા જઈ રહ્યો છે. બાતમી મુજબ રાતીદેવળી ગામ નજીક સંગમ વોટરપાર્ક પાસે પોલીસે વોચ ગોઠવી આઈસર ટ્રક (નંબર GJ 03 BY 1451) ને અટકાવ્યો હતો.

ચોરખાનામાંથી નીકળ્યો દારૂનો ખજાનો

પોલીસે ટ્રકની તપાસ કરતા પ્રથમ દ્રષ્ટિએ તેમાં પૂંઠાના બોક્સ ભરેલા દેખાતા હતા. જોકે, ઝીણવટભરી તપાસમાં ડ્રાઈવર કેબિનની પાછળના ભાગે અત્યંત સાવધાનીપૂર્વક બનાવેલું એક ચોરખાનું મળી આવ્યું હતું. આ ચોરખાનામાંથી વિવિધ બ્રાન્ડની 4944 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે ઘટનાસ્થળેથી બે શખ્સોની ધરપકડ કરી છે.પૂછપરછ દરમિયાન આ માલ મંગાવનાર તરીકે થાનગઢના મેહુલભાઇ ગોવીંદભાઇ સાબરીયાનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે.

તસ્કરીની નવી મોડસ ઓપરેન્ડી

આરોપીઓ મધ્યપ્રદેશ (MP) બોર્ડર પરથી પૂંઠાના બોક્સની બિલ્ટી બતાવીને પોલીસને છેતરતા હતા. પૂંઠાના માલની આડમાં હજારો બોટલો છુપાવીને હેરાફેરી કરવામાં આવતી હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો: વસ્ત્રાલમાં હથિયારો સાથે બે શખ્સો ઝડપાયા, બોલાચાલીનો બદલો લેવા તમંચો લાવ્યો હતો

  • Follow us on: