દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી દ્વારકા તાલુકાના આરંભડા વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.

સર્વે નંબર 58માં બુલડોઝર ફરી વળ્યું

ઘટનાની મળતી માહિતી અનુસાર, આરંભડા વિસ્તારમાં આવેલા બિન આકારી સર્વે નંબર 58માં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હતું. અહીં અંદાજિત 2140 ચોરસ મીટર જેટલી વિશાળ જમીન પર ધાર્મિક તથા અન્ય વાણિજ્યિક બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ તમામ ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

1.34 કરોડથી વધુની જમીન કરાઈ મુક્ત

આ ડિમોલિશન દરમિયાન તંત્ર દ્વારા જે જમીન ખાલી કરાવવામાં આવી છે, તેની બજાર કિંમત અંદાજિત 1 કરોડ 34 લાખ 77 હજાર રૂપિયા જેટલી થાય છે. સરકારી મિલકત પર ખડકાયેલા આ દબાણોને હટાવવા માટે તંત્રએ ચુસ્ત આયોજન કર્યું હતું.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસના કાફલા વચ્ચે શાંતિપૂર્ણ રીતે દબાણ હટાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. દ્વારકા પંથકમાં તંત્રની આ આક્રમક કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Dwarka: ઓખામાં 'મેગા ડિમોલિશન', હાઈવે પરના ગેરકાયદેસર અને ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર