દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ખાતે ટેકાના ભાવે ખેડૂતો પાસેથી ખરીદવામાં આવેલી મગફળીમાં મોટી ગેરરીતિ સામે આવી છે, જેના કારણે સરકારી ખરીદીની પારદર્શિતા પર સવાલો ઊભા થયા છે. ભાણવડ ખાતેની મુરલીધર એજન્સી દ્વારા ખરીદેલી મગફળીનો જથ્થો ઈન્ડિ એગ્રો નામની એજન્સી મારફતે જામનગર ખાતે મોકલવામાં આવ્યો હતો.

ભાણવડમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં ગેરરીતિ

 જામનગરમાં સરકારી નિયુક્ત કંપની NCMLના ગ્રેડર દ્વારા આ મગફળીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. NCMLના ગ્રેડર દ્વારા મોકલાયેલી ત્રણ ટ્રક જેટલી મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી, કારણ કે તેની ગુણવત્તા અત્યંત નબળી હતી. સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે, એજન્સીઓ દ્વારા ખેડૂતોની સારી ગુણવત્તાવાળી મગફળી બારોબાર વેચી દેવામાં આવી હતી અને તેના બદલે નબળી ગુણવત્તાવાળી મગફળી સરકારને જમા કરાવવામાં આવતી હતી. મુરલીધર એજન્સી અને ઈન્ડિ એગ્રો એજન્સી વચ્ચે મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના કારણે સરકારને નબળી ગુણવત્તાનો માલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સારી ગુણવત્તાની મગફળી બારોબાર વેચ્યાનું ખુલ્યું

થોડા દિવસો અગાઉ ટેકાના ભાવની મગફળી ભરેલો એક ટ્રક અકસ્માતે સળગી ગયો હતો, જેનું નુકસાન મુરલીધર એજન્સીએ ભરપાઈ કરવાનું હતું. સૂત્રોના મતે, આ નુકસાનીની ભરપાઈ કરવા માટે પણ નબળી ગુણવત્તાની મગફળી ભેળવી દેવામાં આવી હોઈ શકે છે. મીડિયા દ્વારા ઈન્ડિ એગ્રો સેન્ટરના પ્રતિનિધિનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. એટલું જ નહીં, મીડિયાને જોઈને ભાણવડ સેન્ટરના પ્રતિનિધિ ભાગી છૂટ્યા હોવાનું પણ સામે આવ્યું છે, જેનાથી તેમની શંકાસ્પદ ભૂમિકા વધુ મજબૂત બને છે.

આ પણ વાંચો: રાણપુર પંથકમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર, એક કરોડનો મુદ્દામાલ ઝડપાયો