દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના રામનગર ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના ‘ગુંદ મોરાવાળી વાડી’ વિસ્તારમાં માત્ર 25 વર્ષની વયના આશાસ્પદ યુવક જસવંત ચોપડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં સનાટો વ્યાપી ગયો છે.
જામ ખંભાળીયામાં 25 વર્ષના યુવકની હત્યા
પ્રાપ્ત માહિતી અનુસાર જસવંત ચોપડા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો હતો. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના જીવલેણ ઘા માર્યા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. વાડી વિસ્તારમાં લોહીથી લથબથ હાલતમાં યુવકનો મૃતદેહ મળતા સ્થાનિકોમાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે.
હત્યા પાછળનું કારણ પ્રેમ પ્રકરણની આશંકા
પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અથવા કોઈ યુવતી સાથેના વિવાદનું કારણ હોવાનું બહાર આવી રહ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ગુનામાં યુવકના નજીકના કુટુંબીજનો જ સંડોવાયેલા હોવાની પ્રબળ ચર્ચા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહી છે. અંગત અદાવત અને પારિવારિક પ્રતિષ્ઠાના નામે આ કરપીણ હત્યા કરવામાં આવી હોવાની શક્યતા નકારી શકાતી નથી.
પોલીસ કાફલો ઘટનાસ્થળે
બનાવની જાણ થતા જ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા (SP) જયરાજસિંહ વાળા તથા DYSP વિસ્મય માનસેતા સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, ગુનાવાળી જગ્યાને કોર્ડન કરી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો: Surat News : ગજેરા બંધુઓએ હવાલાથી 2000 કરોડ હોંગકોંગ મોકલાવ્યાનો આક્ષેપ, પૂર્વ ભાગીદાર પ્રવીણ અગ્રવાલનો લેટર વાયરલ