દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયાની નગરપાલિકામાં હાલમાં એક પત્રેએ ભારે ચર્ચા જગાવી છે. આ પત્ર સામાન્ય નથી, પરંતુ પાલિકાના આંતરિક રાજકારણ અને વહીવટી ખટપટનો જીવતો જાગતો પુરાવો બનીને સામે આવ્યો છે. ચીફ ઓફિસરની બદલી કરાવવા માટે રચાયેલા એક કથિત કાવતરામાં હવે પાલિકાના જ કર્મચારીઓની સંડોવણી બહાર આવતા મામલો વધુ ગંભીર બન્યો છે.
મંત્રી કનુભાઈ દેસાઈને સંબોધીને લખાયો હતો પત્ર
થોડા સમય પૂર્વે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્ર નગરપાલિકાના સત્તાવાર લેટર પેડ પર લખાયો હતો, જેમાં પાલિકાના ચીફ ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી કરવાની માંગ કરવામાં આવી હતી. પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સત્તાપક્ષના સભ્યો ચીફ ઓફિસરની કામગીરીથી નારાજ છે અને આ માંગણીમાં તમામ સભ્યોની સંમતિ છે.
ખોટી સહીઓનો પર્દાફાશ
જ્યારે આ પત્ર સાર્વજનિક થયો અને તેની જાણ સત્તાપક્ષના અન્ય સભ્યોને થઈ, ત્યારે મોટો ઘટસ્ફોટ થયો હતો. અનેક સદસ્યોએ સ્પષ્ટ કર્યું કે તેઓએ આવા કોઈ પત્ર પર સહી કરી નથી. તપાસમાં જાણવા મળ્યું કે લેટર પેડ પર પાલિકાના અનેક સભ્યોની ખોટી સહીઓ કરવામાં આવી હતી. ચૂંટાયેલા પ્રતિનિધિઓના નામે ખોટા દસ્તાવેજો ઊભા કરી મંત્રી સુધી પહોંચાડવાની આ હિંમત જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તપાસની સોય ઇજનેર તરફ
આ લેટર કાંડમાં પાલિકાના જ કોઈ આંતરિક સૂત્રનો હાથ હોવાની શંકા દ્રઢ બની હતી. પ્રાથમિક તપાસમાં પાલિકાના વોટર વર્કસ ઇજનેર નંદાણીયા તરફ શંકાની સોય તાકવામાં આવી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વહીવટી જૂથબંધીના કારણે ચીફ ઓફિસરને હટાવવા માટે આ પત્ર તૈયાર કરવામાં આવ્યો હોઈ શકે છે.
તંત્રની કડક કાર્યવાહી
આ ઘટનાને ગંભીરતાથી લઈને વહીવટી તંત્ર દ્વારા વોટર વર્કસ ઇજનેરને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેમને 14 દિવસની અંદર આ બાબતે લેખિત ખુલાસો રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો સંતોષકારક જવાબ નહીં મળે તો તેમની સામે કાયદેસરની અને શિસ્તભંગની કડક કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચોઃ Vadodara ના માર્ગો પર મોતનું ચક્ર, એક જ સપ્તાહમાં બીજી વાર ચાલુ વાહને હાર્ટ એટેકે લીધો જીવ