પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકા ખાતે યજમાનવૃત્તિ સાથે જોડાયેલા તીર્થ પુરોહિતોએ આજે બેટ દ્વારકા દ્વારકાધીશ મંદિર ખાતે કાળી પટ્ટી બાંધી મંત્રોચ્ચાર સાથે મંદિર ટ્રસ્ટીગણનો વિરોધ કર્યો હતો. તીર્થ પુરોહિતોનું કહેવું છે કે આજે 26 દિવસ થયા અમને યજમાનો સાથે બેટ દ્વારકા ખાતે આવેલ દ્વારકાધીશ મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા પ્રવેશ આપવામાં આવતો નથી.


50 જેટલા ગુગળી બ્રાહ્મણોના ઘર આવેલા છે

સંદેશ ન્યુઝ સમક્ષ વાત કરતા તીર્થ પુરોહિતોએ જણાવ્યું હતું કે, અમને બંધારણીય અધિકાર મળેલો છે તેથી પેઢી દર પેઢી અમે યજમાનવૃતિ કરીએ છીએ અને યજમાનો અમને દક્ષિણા આપે તેના પર ગુજરાન ચાલે છે. બેટ દ્વારકા ખાતે 50 જેટલા ગુગળી બ્રાહ્મણોના ઘર આવેલા છે. તેમનું ગુજરાન યજમાન વૃત્તિ પર ટકેલું છે અમે કોઈ દિવસ અમારી મર્યાદા ભૂલ્યા નથી કે કોઈ યજમાન પાસેથી ખોટી રીતે રૂપિયાની માંગણી કરી નથી. બેટ દ્વારકા ખાતે યજમાનોને સાથે રાખી દર્શન કરાવી ભગવાન શ્રીકૃષ્ણનું મહત્વ સમજાવીએ છીએ જેથી રાજી થઈ યજમાનો તરફથી અમને દક્ષિણા સ્વરૂપે જે કંઈ આપવામાં આવે તેનો અમે સ્વીકાર કરતા હોઈએ છીએ.

અમારી અજીવિકા પર સંપૂર્ણ બ્રેક લાગી ગઈ

છેલ્લા 26 દિવસથી ટ્રસ્ટીઓના તુગલખી ફરમાન પછી અમારી અજીવિકા પર સંપૂર્ણ બ્રેક લાગી ગઈ છે. અમારા દ્વારા વારંવાર ટ્રસ્ટીઓ સાથે મળી સુખદ નિર્ણય લેવા માટે આજીજી કરવામાં આવેલ છતાંય ટ્રસ્ટીઓ દ્વારા અમારો બહિષ્કાર કરવામાં આવ્યો છે. જ્યારે બેટ દ્વારકા મંદિરમાં બ્રાહ્મણો પોતાના યજમાનો સાથે ન જતા હોવાથી કેટલાક યજમાનો પણ મુસીબત અનુભવી રહ્યા છે. યજમાનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યજમાનવૃત્તિ બ્રાહ્મણોનો અધિકાર છે. જેનાથી વૃદ્ધ અને અશક્ત લોકોને દર્શનનો લાભ મળે છે. બ્રાહ્મણોની યજમાન વૃત્તિ વહેલી તકે શરૂ થવી જોઈએ.

અમે એક્ઝિટ ગેટમાંથી આવતા લોકોને રોક્યા છે

બેટ દ્વારકા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીએ જણાવ્યું કે ડીએસપીની સૂચના અનુસાર અમે એક્ઝિટ ગેટમાંથી આવતા લોકોને રોક્યા છે. જ્યારે મંદિરમાં કોઈ અકસ્માત ન થાય એટલા માટે મર્યાદિત લોકો દર્શન કરી શકે તેના માટેની વ્યવસ્થા કરી છે. યજમાન વૃત્તિએ બ્રાહ્મણોનો અધિકાર છે એનાથી અમને કોઈ વાંધો નથી છતાં પણ જો કોઈ બ્રાહ્મણોને તકલીફ હશે તો અમે તે જાણવાનો પ્રયત્ન કરીશું અને આગામી ટ્રસ્ટની મીટીંગમાં અમે આ સમસ્યાનું સમાધાન લાવવાની પૂરેપૂરી કોશિશ કરીશું.


આ પણ વાંચોઃ Padra પાલિકાની ઘોર બેદરકારી: ગટર લાઈનના નબળા કામથી સર્જાયા ભુવા


  • Follow us on: